AhmedabadGujarat

ડ્રગ્સ સપ્લાયરને પૈસા આપવા 7 સ્ટાર હોટલમાંથી કરી ચોરી

ડ્રગ્સના રવાડે ચડ્યા પછી ડ્રગ્સ માણસ પર એટલું હાવી થઈ જાય છે કે ઘણી વખત લોકો ના કરવાનું કરી બેસતા હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં ડ્રગ્સના પૈસા ચૂકવવા માટે એક યુવકે આઇપેડની ચોરી કરીને ડ્રગ્સ સપ્લાયરને આપ્યું હતું. હાલ તો પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના કેશવબાગ વિસ્તાર ખાતે આવેલી સેવન સ્ટાર હોટલ ITC નર્મદાના બીજા માળેથી બે દિવસ અગાઉ આઇપેડની ચોરી થઈ હતી. જેથી વસ્ત્રાપુર પોલીસે હોટલના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું બે દિવસ પહેલા કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર હોટલમાં હતો. તે દરમિયાન ત્યાં સિક્યુરિટી હાજર ન હોવાથી તેણે બીજા માળે આવેલ મીટીંગ રૂમ માંથી આઇપેડની ચોરી કરી હતી. અને બાદમાં કોઈને ખબર પડે તે પહેલાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે સેટેલાઈટ વિસ્તારમાં વસવાટ કરતા કુશલની ધરપકડ કરી હતી. કુશલની પૂછપરછમાં સામે આવ્યું કે, તે ડ્રગ્સ ડ્રગ્સનો બંધાણી હતો અને ડ્રગ્સ સપ્લાયરને આપવા માટે પૈસા ના હોવાથી તેણે આઇપેડ ચોરી કરીને ડ્રગ્સ સપ્લાયર મોઇન ધલલવાલાને આપ્યું હતું.

નોંધનીય છે કે, કુશલે આઇપેડ ચોરી કરીને ડ્રગ્સ સપ્લાયર મોઈનને આપ્યું હોવાથી પોલીસે તેને પણ ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો છે. તમને જણાવી દઈએ કે, મોઇનને અમદાવાદ SOG એ આ પહેલા પણ ડ્રગ્સ સાથે રંગે હાથ પકડ્યો હતો. અને કુશલ ઉર્ફે કે.ટી. ઠક્કર છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો તેમજ તેણે મોજશોખ પુરા કરવા માટે આ પહેલા પણ ચોરી કરેલી હતી.