રાજકોટમાં બની બે અલગ અલગ ઘટના, એક જગ્યાએ બાળકીને ત્યજી દેવાની ઘટના તો બીજી ઘટનામાં પાંચ લોકોને મળ્યું નવજીવન

આજે મધર્સ ડે નિમિતે રાજકોટમાં બે અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં એક માએ પોતાના અંગોનું દાન કરીને પાંચ લોકોને નવજીવન આપ્યું છે તો બીજી ઘટનામાં ત્રણ દિવસની તાજી જન્મેલી બાળકીને સિવિલ હોસ્પિટલનાં બાળ વિભાગમાં અનામી પારણામાં કોઈ અજાણી વ્યક્તિ મૂકીને ત્યાંથી ફરાર થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે સિક્યુરિટી પાસેથી જાણવા મળ્યું કે, ગતરોજ રાત્રીના 11 વાગ્યાના સમયની આસપાસ એક ભાઈ આ બાળકીને લઈને આવ્યા હતા અને તેઓ તે બાળકીને આ અનામી પારણામાં મૂકીને ત્યાંથી જતા રહ્યા હતા. કે.ટી. શેઠ બાળકોની હોસ્પિટલના સ્ટાફને આ બાબતની જાણ થતા જ તેમણે તાત્કાલિક અસરથી આ બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. આ સિવાય ડોક્ટર નર્સ સહિતના હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ બાળકીની પૂરતી દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. તતા હાજર સૌ કોઈના હૃદયમાં આ માસુમ બાળકી પ્રત્યે દયાની ભાવના જાગી હતી. અને સૌ કોઈ બાળકીના માતા-પિતા પ્રત્યે રોષ ઠાલવી રહ્યા હતા. તેંજ બાળકીના જીવનને લઈને સૌ કોઈ ચિંતિત જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે, આજે મધર્સ ડે છે. ત્યારે એક માતાએ આજે પાંચ લોકોને નવજીવન આપ્યું હોવાની ઘટના પણ સામે આવી છે. રાજકોટમાં નિરૂપાબેન જાવિયા બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ નિરૂપાબેનના અંગોનુ દાન કર્યું હતું. નિરૂપાબેનના અંગદાનથી પાંચ લોકોને નવ જીવન મળ્યું છે.