બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યાં છે. બાબા બાગેશ્વરનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર ધામ દ્વારા પત્રકાર પરિષદ યોજીને બાબાના દરબારની માહિતી આપી હતી. જેમાં તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં ક્યાં રોકાશે તે અંગે માહિતી પણ આપી છે. બાબા બાગેશ્વર અમદાવાદમાં 22 રૂમના ભવ્ય મકાનમાં રોકાશે. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ખાસ અને વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ રાધિકા સેવા સમિતિના સંરક્ષક પુરુષોત્તમ શર્માના 22 રૂમના ભવ્ય મકાનમાં રોકાશે. પુરસોત્તમ શર્માએ ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટે પોતાનું મકાન રીનોવેટ કરાવ્યું છે. પહેલા માળ પર આવેલા વિશાળ રૂમમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટે વ્યવસ્થા કરાશે. રૂમની આગળની બાજુ આવેલ ગેલેરીમાંથી દર્શનાર્થીઓને ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને દર્શન આપે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
નોંધનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી આ મકાનમાં રોકાવાના હોવાના કારણે મકાનની આસપાસ રહેલા ઘરો પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા છે તેમજ ત્યાં ભાડે વસવાટ કરતા લોકોને પણ અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. 40 જેટલા લોકોની ટિમ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે આવશે.
પુરુષોત્તમ શર્માએ કહ્યું હતું કે, મારા મકાનને રીનોવેટ કર્યું છે અને 225 નંબરના મકાનમાં બાગેશ્વર બાબાના રહેવા માટેની વ્યવસ્થા કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મારા ઘરે રોકાવવાનો અમારી કમિટીને તેઓએ વાયદો આપ્યો હતો.