GujaratVadodara

વડોદરામાં 13 વર્ષના દીકરાને ટીવી જોવાની ના પાડવી માતાને પડી ભારે, આપઘાત કરીને  જીવન ટુંકાવ્યું

વડોદરા શહેરમાં બાળકને ટીવી જોવાની ના પાડવી પરિવારને ભારે પડી છે.  ટીવી જોવાનું ના કહેતા જ બાળકને ખોટું લાગ્યું અને તેણે આ વાતને મન પર લઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવું છે. આ ઘટના વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના પ્રેસ કોલોની સામે બની છે. આ વિસ્તારમાં રહેનાર દંપતિને સંતાનમાં બે પુત્રો છે. જેમાંથી ધોરણ 7 માં એક પુત્ર અભ્યાસ કરતો હતો અને નાનો પુત્ર દિવ્યાંગ હોવાના લીધે તે માતા-પિતા સાથે ઘરમાં જ રહેતો હતો.

એવામાં ગઈ કાલના રોજ માતા પોતાના બે બાળકો સાથે ઘરમાં હતા. તે સમયે માતા નિયત ક્રમ મુજબ પોતાના દિવ્યાંગ પુત્રને લઈને ઘર પાસે આંટો મારવા માટે ગયા હતા. ઘરમાં બેસી ટીવી જોઈ રહેલા પોતાના 13 વર્ષના મોટા પુત્રને માતા દ્વારા ઘરમાં બેસી રહેવાની જગ્યાએ બહાર આંટો મારવા આવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ મોટો પુત્ર તે માટે તૈયાર થયો નહોતો અને ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો. તે કારણોસર માતા દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો અને ત્યાર બાદ તે પોતાના નાના પુત્રને લઈને આંટો મારવા નીકળી ગયા હતા.

પરંતુ થોડા સમય બાદ જ્યારે માતા તેમના દિવ્યાંગ પુત્ર ને લઈને ઘરે પરત આવી તો મોટા પુત્ર દ્વારા ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો નહોતો. તેના લીધે માતા દ્વારા પાડોશી ની મદદથી જેમતેમ કરી દરવાજો ખોલવામાં આવ્યો હતો. ઘરનો દરવાજો ખોલ્યો તો માતાના પગ નીચે જમીન સરકી ગઈ હતી. તેમનો 13 વર્ષનો દીકરો દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ માતા દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી પરંતુ તે પહેલા તેમના દીકરા નો જીવ ચાલ્યો ગયો હતો.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ બાળક ના મૃતદેહ ને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ માં મોકલી દેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ માતાએ ટીવી જોવાનું બાબતમાં ઠપકો આપતા બાળકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.