નોકરી ના મળતા સુરતમાં યુવકે કર્યો આપઘાત
સુરતમાં એક 30 વર્ષીય યુવકે આર્થિક મંદીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવક છેલ્લા બે મહિનાથી નોકરી શોધી રહ્યો હતો. પરંતુ નોકરી ના મળતા યુવકે તેના પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરી લેતા હાલ તો સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલ પુનિત નગરમાં વસવાટ કરતો 30 વર્ષની ઉંમરના અજય રમેશ સોનવને નામના યુવકે આર્થિક મંદીના કારણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કારખાનામાં કામ કરીને અજય પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી અજયની નોકરી છૂટી જતા તે નોકરી શોધી રહ્યો હતો. અજય છેલ્લા બે મહિનાથી બેરોજગાર હોવાથી ઘરમાં પૈસા હતા નહીં અને આથી આર્થિક મંદી પડી રહી હતી. જેથી હતાશ થઈ ગયેલા અજયે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
નોંધનીય છે કે, અજયે આપઘાત કરી લેતા હાલ તો તેનું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. અજયની પત્ની વિધવા બની તો તેની દોઢ વર્ષની દીકરીના માથા પરથી પિતાનો હાથ જતો રહ્યો છે. પાંડેસરા પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. યુવકના મૃતદેહને પંખા પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.