IndiaNews

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે ધાર્મિક લીડરોએ આ વાત કહી, પીએમ મોદીએ બધાના આશીર્વાદ લીધા

New Parliament Building : આજે રવિવારે 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવન (New Parliament Building)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સનાતન ધર્મના તમામ ધર્મગુરુઓ, બૌદ્ધ, જૈન, પારસી, શીખ વગેરેએ સર્વધર્મ સભામાં પ્રાર્થના કરી હતી અને નવા સંસદ ભવન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તમામ ધર્મગુરુઓએ આ પ્રસંગને વિવિધતામાં એકતા દર્શાવતી ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.

નવા સંસદ ભવનમાં આયોજિત સર્વધર્મ સભાની પ્રાર્થનામાં પીએમ મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભારતના યહૂદી સમુદાયના વડા એઝેકિલ આઇઝેક મલેકરે જણાવ્યું હતું કે આપણે સાથે મળીને વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો છે. બીજી તરફ હિમાલયન બુદ્ધિસ્ટ કલ્ચરલ એસોસિએશનના પ્રમુખ લામા ચોસપાલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ એક થઈને રાજકારણને બાજુ પર રાખીને દેશના હિતમાં કામ કરવું જોઈએ.

આ પ્રસંગે આચાર્ય લોકેશ મુનિએ જણાવ્યું હતું કે, નવા સંસદભવનમાં ‘ધર્મદંડ’ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે આપણે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ. બીજી તરફ શીખ ગુરુ બલબીર સિંહે કહ્યું કે દેશના વિકાસ માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. ગુરુ બલબીર સિંહે આગળ કહ્યું, ‘હું મારી જાતને રાજનીતિથી દૂર રાખું છું. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે નવા સંસદ ભવનનું નિર્માણ ખૂબ જ સારી બાબત છે અને બધાએ સાથે મળીને આગળ વધવું જોઈએ.

જણાવી દઈએ કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સત્તા અને સત્તાના પ્રતીક ‘સેંગોલ’ને નવા સંસદભવનમાં સ્થાપિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષની ખુરશી પાસે ‘સેંગોલ’ સ્થાપિત કરવામાં આવ્યું છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમએ તમામ ધર્મગુરુઓના આશીર્વાદ લીધા અને નિર્માણ કાર્ય કરનારા કામદારોનું સન્માન કર્યું.