AhmedabadGujarat

લોકસભા સર કરવા માટે ભાજપ કરશે જનસંપર્ક અભિયાન, સાંસદોને સોંપાઈ વિશેષ જવાબદારી

2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં જીતવા માટે ભાજપે એક ખાસ પ્લાન બનાવ્યો છે. આ માટે 30 મેથી 30 જૂન સુધી ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલશે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાનમાં અનેક વિશાળ રેલીઓનું પણ આયોજન કરાયુ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘણી રેલીઓને સંબોધિત કરી શકે છે. આ માટે કેન્દ્રીય મંત્રીઓને પણ જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. તેના જ ભાગરૂપે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ અમદાવાદ ખાતે આવશે. તો ગુજરાતમાં પણ આ માટે પ્રદેશ હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી 26 મે 2014 ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા. ત્યારે 2014થી અત્યાર સુધી મોદી સરકારે કરેલી કાર્યોની માહિતીને લોકો સુધી પહોંચાડવા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સાંસદોને પણ સૂચના આપવામાં આવી છે કે તમામ સાંસદોએ પોતાના વિસ્તારમાં અત્યાર સુધી કરેલી કામગીરી વિશે લોકોને જણાવો અને જનતા સાથે જનસંપર્ક કરો. સાંસદોએ પોતાના વિસ્તારના વકીલ, શિક્ષક, ખેલાડીઓ, તબીબો, કલાકારો, વેપારીઓ સાથે સંપર્ક સાધવા માટે સૂચના અપાઈ છે.

નોંધનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સાંસદોનું એક્ટિવ થવુ ખૂબ જ જરૂરી છે. તેથી ભાજપે તેમના તમામ સાંસદોને પોતે કરેલા કામોને લોકો સુધી પહોંચાડવા જનસંપર્ક કરવા માટે સૂચના આપી છે. લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપની સરકાર બને તે માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.