India

મોટી ટ્રેન દુર્ઘટના: કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 10 મુસાફરોના મોત, 50થી વધુ ઘાયલ

ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ આ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 10 મુસાફરોના મોત અને 50 મુસાફરોને ગંભીર ઈજા થવાના સમાચાર છે. રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ ટ્રેન ચેન્નાઈથી હાવડા જઈ રહી હતી. બાલાસોરના બહાનાગા પાસે માલગાડી સાથે ટ્રેન અથડાઈ હતી. ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ પણ રવાના કરવામાં આવી છે.

સીપીઆરઓ સધર્ન રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચેન્નાઈથી હાવડા જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે દુર્ઘટના સ્થળે શોધ અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

બાલાસોર કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા માટે જાણ કરવામાં આવી છે અને જો રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય, તો એસઆરસીને પણ જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેક સાફ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. DGP ફાયર સર્વિસીસ ડૉ. સુધાંશુ સારંગી પણ હેડક્વાર્ટરથી અકસ્માત સ્થળ માટે રવાના થઈ ગયા છે. તે જ સમયે, રાજ્ય સરકાર બચાવ કામગીરી માટે સ્થળ પર જનરેટર અને લાઇટની વ્યવસ્થા કરી રહી છે.

એડિશનલ ડીએમઈટીએ જણાવ્યું – અમે ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલી છે. ઘાયલોને સોરો સીએચસીમાં ખસેડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાકને સારી સારવાર માટે પણ રેફર કરી શકાય છે. જોકે, હજુ સુધી રેલવે તરફથી આ અકસ્માત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ચેન્નઈથી પશ્ચિમ બંગાળના હાવડા થઈને ઓડિશા સુધી ચાલે છે.