હત્યા કરીને ફરાર થયેલા આરોપીને 25 વર્ષ પછી કર્યો જેલભેગો
વર્ષોથી ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓની ધરપકડ કરવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ખાસ મુહિમ શરૂ કરાઈ છે. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના નોંધાયેલ ગુનામાં ભાગતા ફેટ આરોપીઓમાંથી 16 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદી બનાવી તેમની ધરપકડ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં હત્યાના ગુનામાં ભાગતા ફરતાં આરોપીની 25 વર્ષ પછી ધરપકડ કરી લીધી છે. 20 હજાર રૂપિયાની ઇનામ પણ આ આરોપી પર રાખવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, રાજ્યના જુદા જુદા શહેર-જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના નોંધાયેલ ગુનાઓમાં આરોપીઓ વર્ષોથી ફરાર હોય તેમની માહિતી આપનાર તેંજ તેમને પકડનારને રોકડ ઇનામ આપવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા તમામ શહેર જિલ્લાઓને આપવામાં આવી હતી. આ સુચનને પગલે સુરત શહેર પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના નોંધાયેલ ગુનામાં ભાગતા ફરતા આરોપીઓમાંથી ટોપ 16 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની એક યાદી બનાવી હતી. અને તેમામની ધરપકડ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુચનના આધારે સુરત શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વર્ષ 1999માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી પોલીસની પકડથી દુર હતો. ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે મૂળ ઓરિસ્સાનો એવો આરોપી સુરેન્દ્ર કોન્ડા છેલ્લા 25 વર્ષથી ફરાર છે. તે હાલ સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલ બમરોલી રોડની આશાપુરી સોસાયટીમાં વસવાટ કરે છે. ત્યારે પોલીસે બાતમીના આધારે પોલીસે સુરેન્દ્ર કોન્ડાની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, વર્ષ 1999માં ઉમરવાડા વિસ્તારમાં તેનો અને તેના મિત્રો રવિરાજ પંપુરાય ઉડીયા, અભિરામ થુરાય ઉડીયા તેમજ નરી સ્વાઈનો નિરંજન બહેરા સાથે ઝઘડો થયો હતો. નિરંજન બહેરાને આ ઝઘડામાં ગળાના તેમજ પેટના ભાગે ચપ્પાના ઘા તેનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસના ડરથી ભાગીને તે વતન જતો રહ્યો હતો. હાલ તો પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.