GujaratJunagadhSaurashtra

આફતના સમયે દ્વારકાધીશ મંદિર પર 2 ધજા કેમ ફરકાવવામાં આવે છે? વાંચો સમગ્ર અહેવાલ

જ્યારે જ્યારે પણ ગુજરાત પર આફત કે મુશ્કેલી આવે ત્યારે ત્યારે જગતના નાથ દ્વારકાધીશના મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવીને સુરક્ષાની આજીજી કરવામાં આવે છે. આમ તો દરરોજ પાંચ ધજા મંદિરના શિખર પર ચડાવવામાં આવતી હોય છે. પરંતુ ગતરોજ સવારે નિત્યક્રમ અનુસાર ધજા ચડાવ્યા પછી બિપોરજોય ચક્રવાતથી રક્ષણ માટેની આજીજી માટે પહેલાની ધજાની સાથે બીજા નંબરની ધજા પણ મંદિરના શિખર પર ફરકાવવામાં આવી હતી. લોકોની શ્રદ્ધા છે કે દ્વારકાધીશ મંદિરના શિખર પર એક સાથે બે ધજા ફરકાવવાથી ભગવાન દ્વારકાધીશ આવેલી મુસીબતને દૂર કરે છે.

પૂજારી કપિલભાઈ ગોરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત મંડરાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા આપણને સતર્ક રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના શિખર પર અંદાજે 151 જેટલા ફૂટની ઊંચાઈ ઉપર 25 ફૂટનો ધ્વજદંડ આવેલો છે અને તેના ઉપર એક ધ્વજ સ્થંભ આવેલ છે. જ્યાં અબોટી પરિવારના સદસ્યો સાહસિક વૃતિથી દરરોજ ભગવાન દ્વારકાધીશની ધજા પાંચ વખત બદલી કરે છે. પરંતુ અત્યારે વાવાઝોડાની આફતને પગલે સલામતી માટે થઈને ધ્વજ દંડની જગ્યાએ ભગવાન દ્વારકાધીશની ધજાને નીચે ધ્વજ સ્તંભ ઉપર જ ચડાવવામાં આવે છે.

જેને કેટલાક લોકો ‘અડધી કાઠી’એ ધજા ચડાવી તેવું કહે છે, પરંતુ ભગવામ માટે આ શબ્દ યોગ્ય નથી. કેમ કે ‘અડધી કાઠી’ એ શોકનું પ્રતીક છે. જ્યારે આપણે આ ધજા નીચે ચડાવીને ભગવાનને આજીજી અને વિનંતી કરતા હોઈએ છીએ. અને પ્રાર્થના કરીએ છીએ કે, આવી પરિસ્થિતિમાં અમે તમારી ધજાને શિખર પર ચડાવી શકતા નથી માટે આપ આ મુસીબતને દૂર કરો તેવી અમારી પ્રાર્થના છે. માટે જેમાં દિવસમાં ચડતી બે ધજાને ગતરોજ ધ્વજ દંડ પર નહીં પરંતુ નીચે ધ્વજ સ્તંભ પર ફરકાવી હતી. આમ કરવાથી આપણી પ્રાર્થના સાંભળીને ભગવાન આપણને આફતમાંથી ઉગારે છે. તેવી લોકોની આસ્થા આ બે ધજા સાથે જોડાયેલી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ આવી આફતો જ્યારે પણ આવી હતી ત્યારે જૂની ધજા નીચે ઉતારવાનું યોગ્ય ન લાગતા તેમજ સલમતીને ધ્યાનમાં લઈને મંદિરના શિખર પરની ધજાને એમ જ રાખવામાં આવે છે. અને બાદમાં બીજી ધજા નીચે ફરકાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર હાલ બિપરજોય ચક્રવાતની આફત મંડરાઈ રહી હોવાથી આ આફતને દૂર કરવા દ્વારકાધીશન મંદિર પર બે ધજા ફરકાવવામાં આવી છે.