GujaratJunagadhSaurashtra

જૂનાગઢના આ ગામમાં સરકારી તંત્ર ના પહોંચતા સરપંચે પોતાના ખર્ચે કરી લોકોની મદદ

બિપોરજોય ચક્રવાતને પગલે તંત્ર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હજુ પણ બિપોરજોય વાવઝોડાની ફુક શરૂ છે અને માંગરોળ પંથકમાં અત્યારે હાલ 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે અને સાથે જ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. એક બાજુ વહીવટી તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે તંત્રએ દરેક જગ્યાએ આગોતરી કામગીરી કરી છે. પરંતુ માંગરોળ પંથકમાં કાંઠા વિસ્તારમાં આવેલ ગામડાનો ચિતાર તંત્રની દાવાઓની પોલ ખોલી નાખે છે.

ઉલ્લેખનીય છે કે, માંગરોળ પંથકમાં મેણેજ નામના ગામે પત્રકારોની એક ટિમ પહોંચી હતી. અમે ગામનાં સરપંચ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, ગામના સરપંચે 50 જેટલાં પરપ્રાંતીય મજૂરોનું સ્થળાંતર કરાવીને તે તમામને શાળા ખાતે રાખ્યા હતા. ગામના લોકોના સહયોગ અને સરપંચે પોતાના ખિસ્સાના પૈસાથી ખર્ચ કરીને તે લોમોને ફૂડ પેકેટનુ વિતરણ કર્યું હતું. સરપંચે કહ્યું હતું કે, હિય સરકારી તંત્ર આવ્યું જ નથી. તેઓ તો પોતાની કામગીરી બતાવવા માટે થઈને માત્ર ટેલીફોનીક માહિતી મેળવી રહ્યા હતા. અહી લોકો ખૂબ જ પરેશાન છે અને તંત્ર સબ સલામત અને અસરગ્રસ્તોને સ્થળાંતર કરવામાં આવ્યાનાં પોકળ દાવા કરી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી અહીં વિજળી નથી, પશુઓ પાણી વિના તરસ્યા છે જેથી સરપંચે તાત્કાલિક અસરથી વીજપુરવઠો ચાલુ કરવા માટે તંત્ર પાસે માંગ કરી છે.

જુનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાની સ્થિતિ હાલ સામાન્ય છે. માંગરોળ પંથકમાં માછીમારોની બોટને નુકસાન થયું હોય તેવા હજુ સુધી કોઈ અહેવાલ નથી. જિલ્લામાં વાવાઝોડાને કારણે એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી. ત્રણ પશુના મૃત્યુ થયા છે. તેમને પણ સહાય ચૂકવી દેવામાં આવી છે. જિલ્લામાં 900 વીજ પોલ ભારે પવનમાં કારણે ધરાશાયી થયા હતા જેમાંથી 300 જેટલા વિજપોલ રીસ્ટોર કરી દેવામાં આવ્યા છે. 120 જેટલી ટીમ લોકોને વીજ પુરવઠો મળી રહે તે માટે સતત કાર્યરત છે. એસ.ટી. બસોની ટ્રીપ પરિસ્થિતિ સામાન્ય જણાતા શરૂ કરવા માટે સૂચના અપાઈ છે. 3700 જેટલા લોકોને સલામતીના ભાગરૂપે શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં. જેમને રહેવા જમવાની સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. વાવાઝોડાના કારણે ભારે ઓવન ફૂંકાતા 250 જેટલા વૃક્ષ જૂનાગઢમાં ધરાશાયી થયા હતા. જેને દૂર કરીને બંધ થઈ ગયેલા માર્ગને પૂર્વવત કરાયા છે. વન વિભાગે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પણ આગોતરા પગલા લીધા હોવાના કારણે એક પણ સિંહના મૃત્યુના અહેવાલ નથી. ટીમ વર્ક સાથે જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર હાલ તો નજર રાખવામાં આવી રહી છે.