માતાપિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો, સુરતના પાંડેસરામાં ઘરની બારીમાંથી નીચે પટકાતા બાળકીનું મોત
સુરત શહેરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચોથા માળ પરથી નાની બાળકી પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, બાળકને બેડ પર રમતા મૂકીને પરિવાર ઘરના કામમાં લાગેલો હતો. તે સમયે બાળકી રમતા-રમતા બારીની ગ્રીલ વચ્ચેથી અચાનક ચોથા માળેથી નીચે પડી ગઈ હતી. તેના લીધે તેને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં ચોથા માળથી નીચે પટકાતા બાળકીનુ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ચોથા માળની બારી પાસે આવેલ બેડ પર બાળકી રમી રહી હતી. તે સમયે બાળકી રમતા-રમતા બારીથી નીચે પટકાઈ હતી. જ્યારે ચોથા માળથી પટકાતા જ ત્રિશા સૌમિલ દેવા નામની બાળકીનુ કરુણ મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ ત્રિશાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.
જ્યારે પરિવારની એક-એક દીકરીનો આ રીતે અવસાન થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. તેની સાથે સ્થાનિક લોકોમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ છે. આ સિવાય એક આવી ઘટના સુરતના પલસાણામાં પણ ઘટી હતી. તે દરમિયાન દોઢ વર્ષની બાળકી રમતા-રમતા પ્રથમ માળેથી પટકાઈ હતી. તેના લીધે બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું.