પરિવાર વિરુદ્ધ લગ્ન કરી રહેલી બહેનની પિતરાઈ ભાઈએ મંડપમાં જ કરી નાખી હત્યા
આજના જમાનામાં લોકો પોતાની જાતે જ જીવનસાથીની પસંદગી કરીને તેમની સાથે લગ્ન કરતા હોય છે તે લગ્ન પરિવારની વિરુદ્ધ જઈને કરવા પડે તો પણ લોકો પ્રેમ લગ્ન કરતા હોય છે. જો કે, આમ પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન કરવા એ ઘણી વખત ભારે પડી જતું હોય છે. આવું જ કઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક એક યુવતી પરિવાર વિરુદ્ધ જઈ પોતાને ગમતા યુવક સાથે લગ્ન કરી રહી હતી. તે દરમિયાન યુવતીનો એક પિતરાઈ ભાઈ લગ્નના મંડપમાં આવી પહોંચ્યો અને તેણે યુવતીની હત્યા કરી નાખી હતી. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના લિંબાયતમાં એક યુવતીએ તેના પરિવારની વિરુદ્ધ જઈને તેના પ્રેમી સાથે કોર્ટમેરેજ કર્યા હતાં અને ત્યારપછી યુવકના પરિવારજનો બંનેના સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન કરાવી રહ્યા હતા. ત્યારે લગ્નના એક દિવસ અગાઉ પીઠીની વિધિમાં યુવતીનો પિતરાઈ ભાઈ અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે ચપ્પુ વડે તેની બહેન પર હુમલો કરી દીધો હતો. જેને લઇ યુવતીને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તો સ્થાનિક લોકોએ મળીને યુવતીની હત્યા કરનાર પિતરાઈ ભાઈને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો પોલીસે પણ આ સમગ્ર મામલે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.