GujaratNorth Gujarat

ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાતના કરેલા પ્રયાસના કિસ્સામાં થયો મોટો ખુલાસો

બનાસકાંઠા જિલ્લામાં એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીસાના માલગઢ ગામના એક જ પરિવારના સાત લોકો દ્વારા કોઈ કારણોસર ઝેરી દવાને પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે આ મામલાને લઈને મોટી જાણકારી સામે આવી છે.

આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, પરિવારના મોભી નબુભાઈ વાલ્મિકી દ્વારા પોતાની માતા સહિત સાત સભ્યોની લસ્સી માં ઝેરી પ્રવાહી નાખી ને પીવડાવી દેવામાં આવ્યું છે. આ મામલામાં સ્થાનિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, હાલમાં યુવક તેની માતા તેમજ ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે. જેમાં યુવકની માતા, એક પુત્રી અને એક પુત્રની સારવાર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે યુવક, તેના બે પુત્રો અને એક પુત્રીની પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે. ઘટનાની જાણકારી મળતા જ બનાસકાંઠા એસપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા તાલુકાના માલગઢ માં એક વાલ્મિકી પરિવાર વસવાટ કરે છે. નગુભાઈ વાલ્મિકી મજૂરી કામ કરીને પરીવારનું ભરણપોષણ કરે છે. ગઇકાલ મોડી રાત્રીના નગુ ભાઈ, તેમની બે દીકરી, ત્રણ દીકરા અને માતા એ લસ્સી માં જંતુનાશક દવા ભેળવીને પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો અને આ પરિવારના સંબંધિઓ તેમના ઘરે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ તમામને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, યુવકની પત્ની નું એક મહિના અગાઉ અવસાન થયું હતું તેના લીધે તે માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. તેના દ્વારા પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં  બનાસકાંઠા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.