સુરેન્દ્રનગરમાં બે દલિત ભાઈઓની હત્યાથી રાજ્યમાં ફરી એકવાર ગરમાયુ દલિત રાજકારણ
ગુજરાતમાં દલિત અત્યાચારોની ઘટનાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ના વિવાદને કારણે અન્ય પછાત વર્ગ બે દલિત ભાઈઓની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 12 જુલાઈના રોક સાંજના સમયે ચુડા તાલુકાના સમઢીયાળા નામના ગામ ખાતે બની હતી. જેમાં બે દલિત ભાઈઓ મૃત્યુ પામ્યા હતા. જેને લઈને ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય તેમજ દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આ ઘટનાને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર પહોંચી રહ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા નામના ગામ ખાતે 12મી જુલાઈના રોજ સાંજના સમય દરમિયાન બે જૂથો એકબીજાની સામસામે આવી ગયા હતા. ત્યારે ઝપાઝપીમાં 60 વર્ષની ઉંમરના અલજી પરમાર તેમજ તેમના 54 વર્ષના ભાઈ મનોજ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેમને તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં રાત્રિના સમય દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલામાં ઘાયલ પારૂલબેન પરમારે પોલોસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ચુડા પોલીસે ગુરૂવારના સવારના સમય દરમિયાન પારૂલબેનની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આ કેસમાં 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. તેમજ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.