રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે. તેમાં પણ સૌથી વધુ જૂનાગઢના કેશોદ માં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેની સાથે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા 17 મી જુલાઈ એટલે કે સોમવારથી ફરીથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે દક્ષિણ ગુજરાત તેમજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 15 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. ત્યાર બાદ 15 થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ જોવા મળશે. જયારે 18 થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગર માં વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની છે. તેની સાથે સિસ્ટમ વધુ મજબૂત બની દેશના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે.
તેની સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ગંગા યમુના નદીની જળ સપાટીમાં વધારો જોવા મળશે. જ્યારે 23 થી 26 ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તે સમયગાળામાં રાજ્યના કેટલાક ભાગોમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે 23 થી 26 જુલાઈના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. વરસાદની અસર મધ્ય ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા છે. પેસેફિક મહાસાગર માં વિશિષ્ટ સ્થિતિના લીધે 23 થી 25 જુલાઈમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થતા રાજ્યમાં વરસાદી માહોલ બનશે.
તેની સાથે અમદાવાદ ના હવામાન વિભાગ દ્વારા 17 મી તારીખથી એટલે 48 કલાક બાદ રાજ્યમાં ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ડૉ. મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કે, ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેના સિવાય કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે વરસાદી સિસ્ટમ કઈ તરફ ગતિ કરે છે તેના આધારે અમદાવાદ અંગેની સંભાવનાઓ પણ આગામી દિવસોમાં વ્યક્ત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે તેમણે એ પણ જણાવ્યુ કે, 18 તારીખ બાદ વરસાદનું જોર વધવાની શક્યતા રહેલી છે.