GujaratSouth GujaratSurat

સુરત RTO આવ્યું એક્શનમાં, બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીને 4.60 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ગોઝારા અકસ્માત પછી સુરત RTO પણ એક્શનમાં આવ્યું છે. બેફામ વાહનો ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ સુરત RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં બેફામ રીતે વાહન ચલાવતા 221 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ સુરત RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.સુરત RTO એ અત્યાર સુધી વાહન ચાલકો પાસેથી 4.60 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત 19 જુલાઈના રોજ મોડી રાત્રીના સમયે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ ખાતે એક જેગુઆર કારે ફૂલ સ્પીડમાં આવીને 9 લોકોના જીવ લીધા હતા. આ ભયાનક અકસ્માતને કારણે રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માત પછી રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે અંતર્ગત સુરત શહેરમાં RTO દ્વારા પણ બેફામ રીતે વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સુરત RTOએ 221 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીને 4.60 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે.

તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત પછી હવે અમદાવાદ પોલીસ દ્વારા પણ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ઓવરસ્પીડિંગ અને બેફામ વાહન ચલાવીને સ્ટંટ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક બાજુ  અમદાવાદ શહેરમાં ટ્રાફિક ના પ્રશ્નો દિવસેને દિવસે વધુ વિકટ બનતા જાય છે. ત્યારે હવે AMC અને હવે અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ગેરકાયદેસર દબાણો તેમજ પાર્કિંગને લઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.