India

હાથરસમાં મોટો અકસ્માત: ટ્રેક્ટર ટ્રોલી અને ડમ્પરની ટક્કરમાં 5નાં મોત, અનેક ઘાયલ

હાથરસના સહપાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં ટ્રેક્ટર ટ્રોલી અને ડમ્પર વચ્ચે અથડામણમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, લોકો ટ્રેક્ટર ટ્રોલી પર સવાર થઈને ગોવર્ધનની પરિક્રમા માટે એટા જિલ્લાના જલેસરથી નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી સાદાબાદ રોડ પર પહોંચતા જ સામેથી આવતા ડમ્પર સાથે તેની સીધી ટક્કર થઈ હતી.

ડમ્પર અને ટ્રેક્ટર ટ્રોલી સામસામે અથડાતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પીડિતોની ચીસો પડવા લાગી. ઘટનાસ્થળેથી ઘાયલોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ લોકોને સાદાબાદ આરોગ્ય કેન્દ્રથી આગ્રા રિફર કરવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાંથી અલીગઢ રિફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માતમાં ઘાયલ સુલતાન સિંહ અને તેની પત્ની પ્રેમવતીની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.