અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા ની ઘટના પછી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં લક્ઝુરિયસ કારમાં જોખમી સ્ટંટ કરતા એક કિશોર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક કિશોર લક્ઝુરિયસ કારનો દરવાજો ખોલીને ચાલુ કારમાં જ બહાર નીકળી એક હાથે કારમાંથી ઉભા થઈને જોખમી સ્ટંટ કરનાર એક કિશોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં તપાસ કરતા સરથાણા પોલીસને જાણવા મળ્યું કે કાર ચાલક હજુ કિશોર વયનો છે. ત્યારે કિશોર વયે લાયસન્સ ના હોવા છતાં ગાડી ચલાવીને સ્ટંટ કરનારના પિતા વિરુદ્ધ હાલ તો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ચાલુ કારમાં એક વાહન ચાલક જોખમી સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ સરથાણા પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને જે ગાડીમાં સ્ટંટ કરવામાં આવતો હતો તે ગાડીનો નંબર મેળવીને પોલીસ વીડિયોના આધારે પોલીસ કારના માલિક પાસે પહોંચી હતી. કાર માલિક ખોડાભાઈ ભરવાડ પાસે પહોંચીને પોલીસે પૂછપરછ કરી તો તેમણે જણાવ્યું કે ગાડીમાં ડીઝલ પુરાવવા માટે તેમણે તેમના પુત્રને ગાડી આપી હતી.
નોંધનીય છે કે, ખોડાભાઈએ તેમના 17 વર્ષની ઉંમરના પુત્રને લાયસન્સ વિના જ કાર આપી હોવાની વાત કરતા પોલીસે આ મામલે ચાલુ કરે જોખમી સ્ટંટ કરનાર કિશોરના પિતા ખોડાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત બાદ સમગ્ર રાજ્યમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આવા અનેક સ્ટંટબાજો તેમજ ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક નિયમો તોડનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.