વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ ઘટનાને દુઃખદાયક ગણાવી છે. કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેર દ્વારા 18 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સાથે શરતોનો ભંગ કરવા બદલ કોન્ટ્રાક્ટ રદ્દ કરી પ્રોપર્ટી પણ સીલ કરી દેવાઈ છે. સુરસાગર તળાવમાં બોટિંગ અને કમાટી બાગમાં જોય ટ્રેન બંધ કરવામાં આવી છે. હરણી તળાવની ઝોનની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેલી હતી. વર્ષ 2022 માં કોર્પોરેશને સુપરવિઝન અને ઈન્સ્પેક્શન કરી શરુ કરવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરના માધ્યમથી પણ તપાશ કરવામાં આવશે. ઘટનાની બેદરકારી મામલે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા બોટ દુર્ઘટનાની વાત કરીએ તો જેમાં બે મહિલા શિક્ષકો તેમજ બાળકો સહિત કુલ 17 લોકોનાં કરૂણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા 18 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે 6 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરાઈ છે. મૃતકોને ચૂકવવામાં આવેલા વળતર સહિતના મુદ્દા PIL માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરાઈ છે.
તેની સાથે VMC કમિશનર, વડોદરા કલેક્ટર સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરાઈ છે. જ્યારે કોની મંજૂરીથી જરૂરી પરવાનગીઓ આપવામાં આવી તે બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર, કોર્પોરેશન દ્વારા ક્યારેયર પણ નિરીક્ષણ કરવામાં ન આવ્યું હોવાનું અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બોટ જર્જરીત હાલમાં હોવા છતાં કોની મંજૂરીથી તે ચાલી રહી હતી. તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. આ સાથે અધિકારીને સસ્પેન્ડ કરી કાયદાકીય રીતે પગલા ભરવા અરજીમાં રજૂઆત કરાઈ છે. સુપ્રીમ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ વિશેષ તપાસની પણ માંગણી કરવામાં આવેલ છે. જ્યારે આ પ્રકારની દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનો પણ ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો હતો.