VadodaraGujarat

વડોદરા બોટકાંડના આરોપી બિનીત કોટીયા પર શાહી ફેંકાઈ, કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયત

હરણી બોટ દુર્ઘટનાને લઈને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેને લઈને સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. એવામાં વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં આરોપી બિનીત કોટિયાને ગઈકાલના ઝડપી પાડવામાં આવ્યો હતો.  SIT દ્વારા આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી હતી.  બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, આ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર રહેલા છે.  બિનિત કોટિયાની આ બોટ પ્રોજેક્ટમાં 5 % ભાગીદારી હોવાની જાણકારી સામે આવી છે. આજે જ્યારે બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો તે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવવામાં આવ્યો હતો. જ્યારે આ મામલામાં શાહી ફેંકનારાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આરોપી બિનીત કોટિયાને આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બિનીત કોટિયાને કોર્ટમાં રજુ કરવાની સાથે 10 દિવસના રિમાન્ડ માંગ કરવામાં આવી છે. જાણકારી મુજબ, બિનીત કોટિયાના 5 અને તેના પિતા હિતેશ કોટિયાના સમગ્ર પ્રોજેક્ટ માં 15 ટકા શેર રહેલા છે.

તેની સાથે વડોદરા હરણી તળાવમાં થયેલ દુર્ઘટનાને લઈને સતત ખુલાસો સામે આવી રહ્યા છે. જ્યારે આજે આવા જ સમાચાર સામે આવ્યા હતા. કોટિયા પ્રોજેક્ટ પરવાનગી વગર જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થતા VMC ની કામગીરી પર સવાલ ઉભા થયા છે. કેમકે VMC દ્વારા પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ માટે VMC પાસે કંપની સાથે થયેલા મૂળ કરારની નકલની માંગ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા MOU ની નકલ અપાતા પોલીસ દ્વારા કરારની કોપીની માંગ કરવામાં આવી છે. જ્યારે તપાસમાં તે પણ સામે આવ્યું છે કે, કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધા આપવાનો નિયમ રહેલો હતો. તેનું પણ કોટિયા પ્રોજેક્ટ દ્વારા પાલન કરવામાં આવ્યું નથી. હરણી તળાવમાં બનેલ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ નીપજ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા 18 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં 8 ની ધરપકડ કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વડોદરા હરણી તળાવમાં આ દુર્ધટનાનો આરોપી બિનીત કોટિયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.  SIT દ્વારા આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. બિનીત કોટિયા કોટિયા ફુડ્સ કંપની નો મુખ્ય પાર્ટનર રહેલ છે. હરણી લેક ઝોન પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સ નાં  હસ્તે કરવામાં આવ્યો હતો. 32 વર્ષીય બિનીત કોટિયા કંપની માં મેનેજિંગ ડાયરેક્ટર ની પોસ્ટ પર કામ કરતો હતો. મૂળ ભરૂચ નો રહેવાસી બિનીત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહી રહ્યો હતો.

આ સાથે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 20 જાન્યુઆરી નાં રોજ મોટી જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે,  કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પૂછપરછ દરમિયાન જાણકારી સામે આવી હતી કે, પરેશ શાહ અને નિલેશ જૈનને રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ ની જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા આના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે.