ગીર સોમનાથમાં જૂની અદાવતમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત, એક હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમ કે ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોઈ છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. ગીર-ગઢડાના તાલુકાના હરમડીયા ગામમાં એક વ્યક્તિ દ્વારા બે સગા ભાઈઓ પર છરી વડે હુમલો કરવામાં આવતા એક ભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજો ભાઈ હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગીર-ગઢડાના તાલુકાના હરમડીયા ગામમાં રહેનાર ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા અને તેમનો સગો ભાઈ હરદીપ ઉર્ફે હકો ધીરુભાઈ ખસિયા બંને ભાઈઓનો ગામમાં પાન મસાલાની દુકાન ચલાવનાર આરોપી રાજા ગંગદેવ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. તેના લીધે પાન મસાલાની દુકાન ચાલવનાર રાજા ગંગદેવ દ્વારા છરી અથવા તીક્ષ્ણ હથિયારથી બંને ભાઈઓ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં હૃતિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયાનું ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ તેનો સગો ભાઈ હર્દીપ ઉર્ફે હકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે ગામમાં હત્યાનો બનાવ બનતા ગામની બજારોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. જ્યારે ગામની બધી દુકાનો બંધ થઈ ગઈ હતી. બીજી તરફ એ. એસ. પી. સાથે મોટો પોલીસ કાફલો હરમડીયા ગામ પહોંચી ગયો હતો. જ્યારે આરોપી દુકાન ખુલ્લી છોડી ફરાર થઈ ગયો હતો. તેના ઘરે પણ તાળું મારેલું હતું. તેમ છતાં પોલીસ દ્વારા આરોપી રાજા ગેંગદેવને ગણતરીના કલાકોમાં જ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણનું મનદુઃખ હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.