South GujaratGujaratSurat

દુઃખદ ઘટના : સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ પાંચ વર્ષીય પુત્ર કચડાયો

સુરતના વેસુ વિસ્તાર થી દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રેક્ટર ચાલક પિતા દ્વારા પોતાના જ પાંચ વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દેવામાં આવતા બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૂળ મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઈટ પર ટ્રેક્ટર લઈને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. સુરેશની સાથે તેની પત્ની પણ મજૂરી કામ કરે છે. આ શ્રમિક પરિવાર બાંધકામ સાઈટ પર જ વસવાટ કરતો હતો. આ સિવાય શ્રમિક દંપતિ મજૂરી કામ દરમિયાન પોતાના બાળકને સાથે રાખતા હતા.

તમને જણાવી દઈએ કે, સુરેશ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર વિષ્ણુ ને લઇ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર રહેલા હતા. મજૂરી કામ કરીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા પાંચ વર્ષનો વિષ્ણુ પાછળ બેઠેલા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટર ની બ્રેક મારી તો વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તે ટ્રેક્ટર ના ટાયર નીચે આવી ગયો હતો.

ત્યાર બાદ લોહીલુહાણ હાલતમાં વિષ્ણુને લઈને દંપતિ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ને ચાલ્યું ગયું હતું. પરંતુ સારવાર મળે તે પહેલા જ વિષ્ણુનું કરુણ મોત નીપજ્યું હતું. એવામાં એક ના પુત્રનું પિતાના હાથે જ મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણકારી મળતા વેસુ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો અને બાળક ના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલામાં અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.