South GujaratGujaratSurat

સુરતમાં બાંધકામ સાઇટના 14 માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોનાં કરુણ મોત

સુરતના ડિંડોલી વિસ્તારથી દુઃખદ ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ સાઇટના 14 માં માળેથી નીચે પટકાતા બે શ્રમિકોના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના જાણકારી મળતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.

જાણકારી મુજબ, સુરતના ડીંડોલીના ડી-માર્ટ પાછળ આવેલ માધવ ક્રેસ્ટની નિર્માણાધીન બાંધકામ સાઇટ પર સ્લેબનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું. એવામાં 14 માં માળે સ્લેબની કામગીરી દરમ્યાન બે શ્રમિકો નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા ડીંડોલી પોલીસનો ઘટનાસ્થળ પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી હતી. બંને મૃતકોની લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્લેબની કામગીરી કરતા સમયે આ ઘટના ઘટી હતી. બિલ્ડર દ્વારા સેફટી નેટ લગાડવામાં આવી હોવા છતાં સેફટી નેટ તોડી બંને નીચે પટકાતા બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં જરૂરી પુરાવા ઓ એકત્રિત કરવા તપાસ હાથ ધરવામાં આવી છે. પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી કરાશે. મહત્વની વાત એ છે કે, બિલ્ડર અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકો ની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે બાબત તપાસનો વિષય રહેલ છે.