BollywoodIndia

જાણીતી સિરિયલ ‘અનુપમા’ના એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટએટેકથી નિધન

ટેલિવિઝન ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ કે સિંહનું નિધન થયું છે. અભિનેતાએ 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ છેલ્લી રાત્રે એટલે કે 19 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. આ સમાચાર ટીવી જગત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા છે. અભિનેતાના નજીકના સંબંધીઓ, કુટુંબીજનો અને મિત્રો આ સમાચારથી ઘેરા આઘાતમાં છે. અભિનેતાના નિધનના સમાચાર સાંભળીને ઘણી જાણીતી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે

અભિનેતા ટીવી શો ‘અનુપમા’ માં જોવા મળ્યા હતા. અભિનેતાના પાત્રનું નામ યશદીપ હતું અને તે અમેરિકામાં હોટલના માલિક તરીકે બતાવવામાં આવી રહ્યો હતો. શોમાં પાંચ વર્ષના લીપ પછી તેની એન્ટ્રી થઈ હતી. અહેવાલો અનુસાર, ઋતુરાજ કે સિંહ સ્વાદુપિંડની બિમારીથી પીડિત હતા અને તાજેતરમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે ‘અનુપમા’ ટીવી શોમાં જોવા મળ્યો ન હતો.

અભિનેતા અરશદ વારસીએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે પોતાની તાજેતરની પોસ્ટમાં લખ્યું, ‘ઋતુરાજનું નિધન થયું તે જાણીને હું ખૂબ જ દુઃખી છું. અમે એક જ બિલ્ડીંગમાં રહેતા હતા, તે પ્રોડ્યુસર તરીકે મારી પ્રથમ ફિલ્મનો હિસ્સો હતો. એક મિત્ર અને એક મહાન અભિનેતા ગુમાવ્યો…’