રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેનાર અને વોર્ડ નંબર 18 ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલ નો મૃતદેહ મહીસાગર નદી માંથી મળી આવ્યો છે. તેમના દ્વારા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાની જાણકારી મળતા ભાજપના દંડક શૈલેષ પાટીલ સહિત કાર્યકર્તાઓ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા.
જાણકારી મુજબ, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેનાર અને વોર્ડ નંબર 18 ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલ નો ઘણા સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડો ચાલી રહ્યો હતો. તેના લીધે તે કંટાળીને ઘર છોડીને તે ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. એવામાં આજે સવારના મહીસાગર નદી માંથી તેમનો મૃતદેહ મળી આવેલ છે.
નોંધનીય છે કે, આજે મહીસાગર નદી માંથી મૃતદેહ મળી આવતા આંકલાવ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેનું નામ પાર્થ પટેલ હોવાનું સામે આવતા તેમના પરિવારજનો ને આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્પોરેશનના દંડક અને તેમના ટેકેદારો આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. એવામાં પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. પાર્થ પટેલ ના અવસાનથી ભાજપના કાર્યકર્તાઓ માં શોકની લાગણી છવાઈ ગઈ છે તેની સાથે તેમના મૃતદેહ આંકલાવ ખાતે થી વડોદરા લાવવા ની તજવીજ હાથ ધરાઈ છે.