પરેશ ધાનાણી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની નોંધાઇ ફરિયાદ, પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યો હોવાનો દાવો
રાજ્યમાં હાલ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રચાર દરમિયાન રાજ્યની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ ભાજપે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ભાજપે ચૂંટણી પંચને કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે પરેશ ધાનાણી ચૂંટણી પ્રચાર દરમિયાન વાંકાનેરની દરગાહમાં કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને ગયા હતા.
ત્યાં જઈને તેમણે દરગાહ પર ચાદર ચડાવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર થઈને ધાર્મિક સ્થળની મુલાકાત કરીને આ રીતે પ્રચાર કરવો એ આચાર સંહિતાનું ભંગ છે તેવી ફરિયાદ ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની 26 લોકસભા અન વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપના તમામ ઉમેદવારોએ 19મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી દીધા હતા. ત્યારે બધા જ ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.
નોંધનીય છે કે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં કરેલા નિવેદનને લઈને હાલ ક્ષત્રિયો રોષે ભરાયા છે જેને લઈને રાજકોટ બેઠક રાજ્યની હાઇપ્રોફાઇલ બેઠક બની છે. ત્યારે કોંગ્રેસે રાજકોટ બેઠક પર ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને ઉતાર્યા છે.