SaurashtraGujaratRajkot

ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, વધુ ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ

રાજકોટમાં 25 મે ૨૦૨૪ ના દિવસ TRP ગેમઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર મામલામાં SIT દ્વારા તપાસ કરતા 21 જૂનના શુક્રવારના રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. આ સાથે SIT ના વડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વચગાળાનો રિપોર્ટ છે અને હજુ તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલામાં જાણકારી સામે આવી છે કે, અગ્નિકાંડની ઘટનામાં રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ બી. જે. ઠેબા અને વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરાઈ છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, 2023 માં TRP ગેમ ઝોન ખાતે આગ લાગી હોવા છતા ચીફ ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કોઈપણ રીતના પગલાં ભરવામાં ન આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડ આગ લાગવા સમયે દાઝી ગયો હોવાની પણ જાણકારી સામે આવી છે. તે દરમિયાન મહેશ રાઠોડ દ્વારા તબીબી સારવાર હેઠળ પણ રહ્યા હતા. આ બનાવ સંદર્ભમાં આ  અગાઉ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તેનું નિવેદન પણ દાખલ કરવામાં આવ્યું હતું.

તેની સાથે સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ બી. જે. ઠેબા વિરુદ્ધ રાજકોટ એસીબી એકમ હેઠળ અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા તેની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. SIT દ્વારા જેલમાંથી બી. જે. ઠેબાનો કબ્જો મેળવવામાં આવ્યો હતો. આ ત્રણની ધરપકડ બાદ આ ઘટનામાં ધરપકડનો આંકડો 15 પર પહોંચી ગયો છે.