સુરતમાં ભાડાની તકરારમાં મકાન માલિકે યુવતીને ઢોર માર માર્યો

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ડર ના હોય તેમ ગુના ઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરતથી સામે આવી છે. સુરતમાં યુવતી ને મકાન માલિક અને અન્ય બેથી ત્રણ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાના લીધે તે છેલ્લા ઘણા સમયથી સુરતમાં જ રહે છે. મકાન ના ભાડાની તકરારમાં એક વ્યક્તિ દ્વારા યુવતીનો હાથ પકડી રાખવામાં આવ્યો જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક માર મારતો જોવા મળ્યો હતો.
જાણકારી મુજબ, આ યુવતી વાત કરીએ તે મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી હોવાના લીધે તે છેલ્લા ઘણા સમયથી સુરતમાં જ રહે છે. એવામાં છેલ્લા બે મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાના લીધે મકાન માલિક સહિત ત્રણ થી ચાર લોકો યુવતીના ઘરમાં ઘૂસી આવ્યા હતા. ભાડાની તકરારમાં મકાન માલિકને ગુસ્સો આવી ગયો હતો. ત્યાર બાદ મકાન માલિક દ્વારા મકાનમાં રહેતી ત્રણ યુવતીઓને મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાંથી બે યુવતી ડરીને નાસી ગઈ હતી અને એક યુવતી તેમના હાથે લાગી ગઈ હતી. મકાન માલિક દ્વારા યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીકા અને મુક્કા મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. પીડિતાને ચપ્પુ બતાવી ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, યુવતી પર કરવામાં આવેલ હુમલામાં યુવતીને હાથ-પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી છે. ત્યાર બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ યુવતીઓ પોતાનો સામાન લઈને ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં સમગ્ર મામલામાં લેખિત અરજી આપી યુવતીઓ દ્વારા મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા તેઓની પહેલા લેખિત અરજી લેવામાં આવી અને ત્યાર બાદ ત્રણ શખસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.