SaurashtraGujaratPorbandar

રાજ્યમાં ભારે વરસાદ યથાવત, પોરબંદર અને માણાવદરમાં 12 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં સર્વત્ર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેના લીધે રાજ્યના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં પોરબંદરમાં ભારે વરસાદની વચ્ચે છ લોકોના અને માણાવદરમાં છ વ્યક્તિઓના NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેના લીધે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. એવામાં કુતિયાણાના રોઘડા ગામમાં અચાનક પાણી આવી જતા છ જેટલા લોકો ફસાઈ ગયા હતા. તેમ છતાં NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરીને આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ઘેડ પંથકમાં બચાવકાર્યમાં NDFR ની ટીમ હજુ પણ રહેલી છે.

તેની સાથે જૂનાગઢમાં પણ ભારે વરસાદના લીધે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. માણાવદરમાં ભારે વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેના લીધે છ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. બાટવાથી કવલકા જતા રોડ પર લોકો ફસાયેલા હતા. SDRF અને કેશોદ ફાયરની ટીમ દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. લોકોને સુરક્ષિત બહાર કાઢી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે 29 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે. સાથો સાથ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત ઘટશે. જો કે, છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.