હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદ…
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ જિલ્લાઓમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા 51 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાત રિજયનમાં 28 ટકા વધુ જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ છુટો છવાયો વરસાદ વરસી શકે છે.
તેની સાથે જણાવી દઈએ કે, ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમ હટી જવાના લીધે વરસાદનું જોર ઘટી ગયું છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અઠવાડિયાનાં અંતમાં વરસાદ યથાવત રહે તેવી શક્યતાઓ છે. એવામાં રાજ્યમાં કોઈ પણ જગ્યા પર રેડ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ નથી. દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સૂર્યનું આગમન થતા લોકોને રાહતનો અનુભવ થયો છે. એવામાં હવે આગામી સમયમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો મધ્યપ્રદેશ સુધી આવે તો રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે.