India

મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે શોકની લહેર છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. બુધવાર સવારે લગભગ 8:45 વાગ્યે બારામતી ખાતે લેન્ડિંગ દરમિયાન એક ચાર્ટર્ડ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું, જેમાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

મળતી વિગતો અનુસાર અજિત પવાર મુંબઈથી ચાર્ટર્ડ વિમાન દ્વારા બારામતી જવા રવાના થયા હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રનવે પરથી લપસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. વિમાનમાં અજિત પવાર સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને વિમાન સ્ટાફ હાજર હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા દુર્ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

અજિત પવાર બારામતીમાં મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણીને લઈને ચાર સભાઓને સંબોધિત કરવા જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. શરદ પવાર અને સુપ્રિયા સુલે તે સમયે દિલ્હીમાં હાજર હતા અને દુર્ઘટનાની માહિતી મળતા જ પરિવાર સાથે બારામતી જવા રવાના થયા હોવાનું જણાવાય છે. પરિવારના અન્ય સભ્યો પણ મુંબઈ નિવાસસ્થાન તરફથી તાત્કાલિક નીકળી ગયા છે.

આ દુર્ઘટના બાદ દેશભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અજિત પવારના નિધન પર દુઃખ વ્યક્ત કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટનાની વિગતો મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે સંપર્ક સાધી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ માટે DGCA અને અન્ય એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે સત્તાવાર તપાસ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.