સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર
1 ફેબ્રુઆરીના રોજ રવિવારે સુરત શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી 9 એમએમની ગોળી ચલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તુષાર ઘેલાણીની સારવાર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહી હતી. જોકે ગોળી મગજની આજુબાજુથી પસાર થતાં તેમની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. અંતે તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હોવાનું જણાવાયું છે.
તુષાર ઘેલાણીને બ્રેઇન ડેડ જાહેર થતાં જ પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દીકરીના લગ્નની ખુશીઓ અચાનક માતમમાં ફેરવાઈ ગઈ છે. તેમ છતાં, આ અતિ કપરા સમયે ઘેલાણી પરિવારે એક માનવીય અને પ્રેરણાદાયી નિર્ણય લઈ તુષાર ઘેલાણીના અંગદાનની જાહેરાત કરી છે. પરિવારના આ નિર્ણયથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળવાની આશા ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે આગામી 5 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન નિર્ધારિત હતા. ઘરમાં મહેમાનોની અવરજવર અને લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. રવિવારે લગ્નની કંકોતરી લખાવવાનો પ્રસંગ પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલાં જ શનિવારે રાત્રે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ આવેશમાં આવી તુષાર ઘેલાણીએ બેડરૂમમાં પોતાની જાત પર ગોળી ચલાવી હતી. જ્યાં થોડા દિવસોમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં હવે શોકનો માહોલ છવાઈ ગયો છે.
તુષાર ઘેલાણીએ આવું અતિશય પગલું કેમ ભર્યું તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. પ્રાથમિક તપાસમાં પત્ની સાથે સામાન્ય પ્રકારની તકરાર સામે આવી છે, પરંતુ માત્ર એટલા કારણે એક સફળ બિઝનેસમેન દ્વારા આવું પગલું ભરવામાં આવ્યું હોવાની વાત પોલીસ માટે પણ અચંબાનો વિષય બની છે.ઉમરા પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી રિવોલ્વર કબજે કરવામાં આવી છે અને આપઘાતના પ્રયાસ પાછળ કોઈ આર્થિક, માનસિક કે અન્ય પ્રકારનું દબાણ હતું કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.