AAP નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું, કારણ ગોપાલ ઈટાલીયા?
AAP leader Raju Karpada resigns
રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના અચાનક લીધેલા આ નિર્ણયથી પક્ષના સંગઠનમાં ચર્ચા અને અટકળો તેજ બની ગઈ છે.
થોડા સમય પહેલાં બોટાદના હડદડ વિસ્તારમાં કડદા પ્રથાના મુદ્દે ઉગ્ર વિવાદ અને હિંસાની ઘટનાઓ બની હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં રાજુ કરપડા ખેડૂત નેતા તરીકે આગળ આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં પાર્ટીમાં આંતરિક મતભેદ હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું હતું. હવે આ રાજીનામાથી એ ચર્ચાઓ સાચી સાબિત થતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપી દીધું હોવાનું જાણવા મળ્યું છે. જોકે રાજીનામાના કારણોને લઈને કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સંગઠનાત્મક મુદ્દાઓ અને આંતરિક અસંતોષના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજુ કરપડા ખાસ કરીને ગોપાલ ઇટાલિયાથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો મુજબ રાજુ કરપડા સાડા ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમને પક્ષના મોટા નેતાઓ તરફથી કોઈ ખાસ સહાય કે મુલાકાત મળી ન હતી. જ્યારે બીજી તરફ, ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રાજુ કરપડાએ અંદાજે દોઢ મહિના સુધી તેમના માટે જોરદાર પ્રચાર કર્યો હતો. કપરા સમયમાં સહયોગ ન મળતા તેઓ અંતે પક્ષથી અલગ થવાનો નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવે છે.
રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાર્ટીની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને કડદા પ્રથા સામેના આંદોલન બાદ ખેડૂતોમાં પણ પક્ષ પ્રત્યે સમર્થન વધતું જઈ રહ્યું હતું. પરંતુ રાજુ કરપડા જેવા આગેવાનના અચાનક રાજીનામાથી હવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ નબળી પડી શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.