શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવ્યો
રાજ્યના શિક્ષણ મંત્રી **પ્રદ્યુમન વાજા**ને માઇનોર હાર્ટ એટેક આવ્યા બાદ તાત્કાલિક અમદાવાદની **યુ. એન. મહેતા હોસ્પિટલ**માં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તેમના હૃદયની એક નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના ભવન અને સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ મુખ્યમંત્રીની સાથે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને છાતીમાં દુખાવો અને અસ્વસ્થતા અનુભવાતાં તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક અસારવા ખાતે આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં કરવામાં આવેલા ચેકઅપ બાદ હૃદયની એક નળીમાં બ્લોકેજ હોવાનું બહાર આવ્યું હતું. ડોક્ટરો દ્વારા તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને બ્લોક થયેલી નળીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે આજે 13 ફેબ્રુઆરીના રોજ સાંજે તેમને તેમના નિવાસસ્થાને જવાના કાર્યક્રમો પણ નિર્ધારિત હતા. જોકે સાબરમતી રિવરફ્રન્ટનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.