×
GujaratSouth GujaratSuratUncategorized

સુરતમાં ઉદ્યોગપતિની પત્નીએ જીવન ટુંકાવ્યું, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

સુરતના સુભાષનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્લાસ્ટિક દાણા ઉદ્યોગપતિના પરિવારની યુવતીએ લગ્નના માત્ર બે મહિનામાં જ આત્મહત્યા કરી લીધી છે. 21 એપ્રિલના રોજ બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના ઘરના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન અંત કરી દીધું હતું.

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. કેજરીવાલ પરિવાર ‘હાર્મની યાર્ન્સ’ કંપની સાથે સંકળાયેલો છે, જેમાં અભિષેક કેજરીવાલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.

ઘરમાં પતિ હાજર હોવા છતાં બન્યો બનાવ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે પતિ અભિષેક કેજરીવાલ બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઓફિસમાં કામ કરી રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી અસ્વસ્થ હોવાને કારણે તે ઘરમાંથી જ કામ કરી રહ્યો હતો. સાંજે લગભગ 5:30 વાગ્યા સુધી ખ્યાતિ રૂમમાંથી બહાર ન આવતા અભિષેકની માતાએ જાણ કરી હતી. ફોનનો જવાબ ન મળતા અભિષેકે બીજી ચાવીથી રૂમ ખોલ્યો, જ્યાં ખ્યાતિ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

ત્યારબાદ ખ્યાતિને તાત્કાલિક પીપલોદ સ્થિત મૈત્રી હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. રાત્રે પોસ્ટમોર્ટમ શક્ય ન હોવાથી મૃતદેહ મહાવીર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને બીજા દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ખ્યાતિ અને અભિષેકના લગ્નમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ તેમજ પોલીસ વિભાગના વરિષ્ઠ IPS અધિકારીઓ હાજર રહ્યા હતા. પરિવારના ઉચ્ચ સ્તરના સંપર્કોને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.

પોલીસ શું કહે છે?
આ મામલે ACP વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મૈત્રી હોસ્પિટલ તરફથી મળેલી જાણકારીના આધારે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધ લેવામાં આવી હતી. મૃતકના સસરા અશોક કેજરીવાલે પોલીસને માહિતી આપતા જણાવ્યું કે તેમની પુત્રવધૂએ અગમ્ય કારણોસર દુપટ્ટાથી ગળેફાંસો ખાધો છે.હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને આત્મહત્યાના કારણો જાણવા માટે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે.