માણસા પોલીસ મથકના યુવા પોલીસકર્મીએ જીવન ટુંકાવ્યું,માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

ગાંધીનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરી એકવાર શોકની લાગણી વ્યાપી ગઈ છે. માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 વર્ષીય પોલીસકર્મી પર્વ વિનોદભારતી ગોસ્વામીએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં માણસા પોલીસના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પર્વ ગોસ્વામી છેલ્લા બે વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના વતની હતા અને હાલ ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી નજીક આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક નાનો પુત્ર છે.
મળતી વિગતો મુજબ, ઘટનાના સમયે તેમની પત્ની થોડા સમય માટે કોઈ કામસર બહાર ગયા હતા. આ દરમિયાન પર્વ ગોસ્વામીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની પરત ફરતાં તેમને આ સ્થિતિમાં જોઈ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક તણાવ અથવા ગૃહકલહ જેવી બાબતોને લઈને આત્મહત્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ ઘટના સાથે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસકર્મીઓ દ્વારા કરાયેલા આત્મહત્યાના બનાવોની યાદ ફરી તાજી થઈ છે. અગાઉ પણ ગાંધીનગરમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ કારણોસર આત્મઘાતી પગલાં ભર્યા હતા.
કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસકર્મીઓ પર વધતા માનસિક દબાણ, પારિવારિક પ્રશ્નો અને તણાવના મુદ્દાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. પર્વ ગોસ્વામીના અકાળ અવસાનથી તેમના પરિવારજનો, સહકર્મીઓ અને સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આત્મહત્યાના કારણો જાણવા વધુ તપાસ ચાલુ છે.