ભાવનગરના સિંધી સમાજના 9 લોકો માટે હિમાચલ પ્રદેશની પ્રવાસ યાત્રા દુર્ઘટનામાં ફેરવાઈ હતી. મનાલીથી ડેલહાઉસી તરફ જઈ રહેલા પરિવારની કાર ગંભીર અકસ્માતનો ભોગ બનતા હિમાચલના ડ્રાઈવર સહિત કુલ 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 4 લોકોને બચાવી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આજે 11 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન પરિવાર મનાલીથી બેલા તરફ જવા નીકળ્યો હતો. ત્યારે છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર-28 પર તેમની કાર અચાનક બેકાબૂ બની ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. કારમાં ડ્રાઈવર સહિત બાળકો સાથે કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
આ દુર્ઘટનામાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન લલિતભાઈ ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી, દિવ્યાંશુ ભોપાણી તેમજ ડ્રાઈવર જશવંત કુમાર (રહે. મંડી, હિમાચલ પ્રદેશ) ના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ખાઈમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત ચાર લોકો સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.મૃતદેહોને વતન લાવવા માટે સમાજના ત્રણ આગેવાનો હિમાચલ પ્રદેશ જવા રવાના થયા છે. આવતીકાલ સાંજ સુધીમાં મૃતદેહો ભાવનગર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર પહોંચતા જ પરિવારજનો, મિત્રો અને સમગ્ર સિંધી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Kamlesh Chandani સતત હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં રહી જરૂરી મદદ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે.કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે, “આજે સિંધી સમાજ અને સમગ્ર ભાવનગર માટે અત્યંત દુઃખદ દિવસ છે. વહેલી સવારે અકસ્માત અંગે માહિતી મળતા જ અમે હિમાચલ પ્રદેશના તંત્ર અને ડિઝાસ્ટર ટીમ સાથે સંપર્ક સાધ્યો હતો જેથી પીડિતોને ઝડપથી સારવાર અને સહાય મળી શકે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “ફતનાની અને ભોપાણી પરિવારના કુલ 9 સભ્યો પ્રવાસે ગયા હતા. જેમાંથી 4 લોકો હાલ સારવાર હેઠળ છે અને ખતરાની બહાર છે, જ્યારે 5 લોકોનાં કરુણ મોત થયા છે. સમાજમાં ભારે શોકનો માહોલ છે. સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ અને આગેવાનો દ્વારા પણ તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે.”
કમલેશ ચંદાણીએ કહ્યું કે, મૃતકોમાં સમાજસેવક તરીકે ઓળખાતા લલિતભાઈ ફતનાની, તેમની પત્ની, દીકરી અને જમાઈનો પણ સમાવેશ થાય છે. મૃતકોના પરિવારજનો અને સમાજના આગેવાનો હિમાચલ પ્રદેશ માટે રવાના થઈ ચૂક્યા છે અને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહોને ભાવનગર લાવવામાં આવશે.