×
Gujarat

આણંદના તારાપુર હાઈવે પર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત

Anand ના તારાપુર-વટામણ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફતેપુરા ગામ નજીક ઉભેલી ટ્રક પાછળ પૂરઝડપે આવી રહેલો સુપર કેરી ટેમ્પો ધડાકાભેર અથડાતા મધ્યપ્રદેશના એક જ શ્રમિક પરિવારના 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, તમામ મુસાફરો Alirajpur districtના છોટી સરની ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા શ્રમિકો હતા. તેઓ રોજગારી માટે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા. વહેલી સવારે અંધારાના સમયે ગુજરાત ગેસના CNG પંપ નજીક પાર્ક કરેલી ટ્રક ટેમ્પો ચાલકને દેખાઈ ન આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ મૃતદેહો વાહનના લોખંડના પતરા વચ્ચે ફસાઈ ગયા હતા, જેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.આ દુર્ઘટનામાં પ્રદીપભાઈ મંડોલ (32), તેમની પત્ની જયલીબેન (30), પુત્રી સિજલબેન (12) અને 8 વર્ષની અસ્મિતા બીલાસનું કરુણ મોત થયું છે. જ્યારે રણદીપ ભીલાલા, સૈનાબેન, ઓપડીયા (12), રમેશભાઈ અને યુવરાજ (12) ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ફતેપુરા નજીકનો વિસ્તાર વર્ષોથી ‘અકસ્માત ઝોન’ તરીકે ઓળખાય છે, છતાં અહીં પૂરતી સાવચેતીના બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થાઓ ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, CNG પંપ સુધી પહોંચવા માટે યોગ્ય સર્વિસ રોડ ન હોવાથી વાહનચાલકોને આશરે દોઢ કિલોમીટર સુધી રોંગ સાઈડમાં વાહન હંકારવું પડે છે અથવા 6 કિલોમીટર દૂર આવેલા કસબારા બ્રિજ સુધી જઈ યુ-ટર્ન લેવો પડે છે.

સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આજે વધુ એક નિર્દોષ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે.