નજીકમાં વાઘ જોઈને એક પિતા અને તેના પુત્ર ડેમમાં કૂદી પડ્યા, ડૂબી જતા બંનેના મોત

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘના હુમલાના ભયથી જીવ બચાવવા માટે ડેમમાં કૂદેલા પિતા અને તેમના 7 વર્ષના પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, નાગપુરથી આશરે 50 કિલોમીટર દૂર આવેલા દેવલાપર વિસ્તારમાં જીવન કોકોડે પોતાના પિતા ધર્મરાજ કોકોડે, પુત્ર જતીન અને અન્ય સંબંધીઓ સાથે ખેતરમાં કામ કરવા તેમજ માછીમારી માટે લખન ડેમ પાસે ગયા હતા. તે દરમિયાન જીવનના સાળા સંજય ઉઈકેએ આશરે 200થી 250 મીટરના અંતરે એક વાઘ તેમની તરફ આવતો જોયો. તેમણે તાત્કાલિક બૂમો પાડી અન્ય લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો.
વાઘ નજીક આવતો જોઈ ત્રણેય ગભરાઈ ગયા અને પોતપોતાનો જીવ બચાવવા માટે દોડધામ શરૂ કરી. સંજય ઉઈકે ડેમની નીચેની તરફ દોડી ગયા, જ્યારે જીવન કોકોડેએ પોતાના 7 વર્ષના પુત્ર જતીનને સાથે લઈને ડેમમાં છલાંગ લગાવી દીધી. પરિવારને આશા હતી કે જીવનને તરતા આવડતું હોવાથી બંને સુરક્ષિત બહાર આવી જશે, પરંતુ પાણીમાં ઉતર્યા બાદ તેમના પગ કાદવમાં ફસાઈ ગયા અને બંને બહાર નીકળી શક્યા નહીં. પરિણામે પિતા અને પુત્રનું ડૂબી જવાથી મોત થયું.
ઘટના બાદ સંજય ઉઈકે ગામમાં દોડી જઈ ગ્રામજનોને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને વન વિભાગને માહિતી આપવામાં આવી. બંને વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢીને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે નાગપુર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વાઘોની અવરજવર વધી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. માર્ચ 2026માં પણ વન વિભાગે નાગપુર વિસ્તારમાં લોકો માટે જોખમરૂપ બનેલા એક માનવભક્ષી વાઘને સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો.