×
GujaratRajkotSaurashtra

ગોંડલમાં 62 યાત્રાળુઓની બસ ખાડામાં ખાબકી, સાસુ-વહુના મોત

સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે આજની વહેલી સવાર દુર્ઘટનાસભર સાબિત થઈ છે. ગોંડલ નજીક વોરા કોટડા ગામ પાસે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ અકસ્માતગ્રસ્ત બની પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં એક જ પરિવારની સાસુ અને વહુના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અંદાજે 25 જેટલા યાત્રિકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે આશરે 4:30 વાગ્યે ખાનગી બસ (GJ18U 9985)માં 62 જેટલા શ્રદ્ધાળુઓ સૌરાષ્ટ્રના બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા જેવા ધાર્મિક સ્થળોના દર્શન માટે નીકળ્યા હતા. યાત્રા પૂર્ણ કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા.

અકસ્માત ગોંડલના વોરા કોટડાથી બાંદરા જતાં માર્ગ પર સર્જાયો હતો. રસ્તો સાંકડો હોવાથી સામેથી આવી રહેલા ટ્રકને સાઈડ આપવા માટે બસ ચાલકે વાહન રિવર્સમાં લીધું હતું. આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ અચાનક રોડની બાજુના ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી.

અકસ્માત સમયે બસમાં બેઠેલા મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. અચાનક બસ પલટતાં જ મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ અકસ્માતમાં બસ નીચે દબાઈ જવાથી એક જ પરિવારની બે મહિલાઓના કરુણ મોત થયા છે. મૃતકોમાં શાંતાબેન પુનાભાઈ મકવાણા અને તેમની વહુ મંજુબેન રસિકભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરતા પરિવાર પર આવી પડેલી આ દુર્ઘટનાએ ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં ભારે શોકનો માહોલ સર્જ્યો છે. સ્થાનિક લોકો અને સગા-સંબંધીઓમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.