
અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ આજે સાંજે ફાયરિંગની ચકચારી ઘટના સામે આવી છે. જમીનના દસ્તાવેજો અને ભાડાની રકમ પરત આપવાના વિવાદ દરમિયાન નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના લાયસન્સવાળા હથિયારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ગોળીબારમાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી.
ઘટનાની જાણ થતાં જ સેટેલાઈટ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ACP કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ફાયરિંગ સમયે DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણનો પુત્ર સિદ્ધરાજસિંહ અને તેમની પુત્રી પણ સ્થળ પર હાજર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા અશોકસિંહ ચૌહાણને અટકાયત કરી સેટેલાઈટ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે.
ACP એસ.એમ. પટેલના જણાવ્યા મુજબ, સમગ્ર વિવાદ નહેરુનગર બસ સ્ટોપ નજીક આવેલી એક જમીનના કબજા અને ભાડા સંબંધિત વ્યવહારોને લઈને ઊભો થયો હતો. હરેશ અને હિતેશ ભારભીડિયા નામના વ્યક્તિઓએ અશોકસિંહ ચૌહાણ પાસેથી સ્ટોલ શરૂ કરવા માટે આ જગ્યા ભાડે લીધી હતી.પરંતુ જમીનના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના કારણે ત્યાં વ્યવસાય શરૂ થઈ શક્યો નહોતો. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા.
આજે સાંજે હિતેશ અને હરેશ ભારભીડિયા દસ્તાવેજોની માંગ અને રોકાણ કરેલી રકમ પરત મેળવવા માટે અશોકસિંહ ચૌહાણને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપ છે કે વિવાદ ઉગ્ર બનતાં નિવૃત્ત DySPએ ગુસ્સામાં આવી જાહેરમાં બંદૂક કાઢી ગાળાગાળી સાથે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ઘટના બાદ પોલીસે સ્થળ પરથી એક લક્ઝુરિયસ Audi કાર પણ કબજે કરી છે. ઉપરાંત સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જાહેરમાં થયેલું ફાયરિંગ કેદ થયું હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે વીડિયો સહિતના ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કર્યા છે. જમીન ભાડે લેનાર હિતેશ અને હરેશ ભારભીડિયાને પણ પોલીસ સ્ટેશન બોલાવીને વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
ફરિયાદી જીગર ઝાપડિયાએ દાવો કર્યો છે કે તેમણે થોડા સમય પહેલા નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ પાસેથી આ જમીન માસિક ₹30 લાખના ભાડે લીધી હતી. ઉપરાંત ₹1.50 કરોડ ડિપોઝિટ રૂપે પણ ચૂકવ્યા હતા.જીગર ઝાપડિયાના જણાવ્યા મુજબ, જગ્યા પર ₹3થી ₹4 કરોડ સુધીનું કામ કરાવ્યા બાદ તેમને જાણ થઈ હતી કે જમીનના વાસ્તવિક માલિક અશોકસિંહ ચૌહાણ નથી. ત્યારબાદ તેમણે ભાડું ચૂકવવાનું બંધ કર્યું હતું, જેના કારણે વિવાદ વધુ વણસ્યો હતો.