GujaratJunagadhSaurashtra

સિંહ કેમ માણસોના ભૂખ્યા બન્યા? ગિરનાર સીડી ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો

જૂનાગઢના વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પરથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા 12 વર્ષીય મયુરસિંહ પર વહેલી સવારે સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. માહિતી મળતા જ વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે હાલ ગિરનારની મુખ્ય સીડી પરથી યાત્રાળુઓની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.

મૃતક બાળકના કાકા અનિલકુમારસિંહ ચૌહાણે જણાવ્યું કે પરિવાર વહેલી સવારે ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો. ગેટથી અંદાજે 50 જેટલા પગથિયાં ચડ્યા બાદ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળથી મયુરસિંહ પર હુમલો કરી તેને ખેંચીને જંગલ તરફ લઈ ગયો. ઘટનાથી યાત્રાળુઓમાં ભારે દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી. બાદમાં કરવામાં આવેલી શોધખોળ દરમિયાન જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા.

પરિવારજનોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ગિરનારની સીડીઓ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા ન હોવાથી અંધારામાં વન્યજીવો દેખાતા નથી. તેમણે સીડીઓ પર તાત્કાલિક લાઇટ લગાવવા તેમજ ચોક્કસ અંતરે વન વિભાગના કર્મચારીઓને તહેનાત કરવાની માંગ કરી છે.

ઘટનાના પ્રત્યક્ષદર્શી સંદીપભાઈએ જણાવ્યું કે તેઓ પરિવાર સાથે રાત્રે ગિરનારમાં રોકાયા હતા અને સવારે અંદાજે પોણા છ વાગ્યે 50થી 60 યાત્રિકો સાથે ચઢવાનું શરૂ કર્યું હતું. માત્ર 50થી 60 પગથિયાં ચડ્યા હશે ત્યાં જ સિંહે અચાનક હુમલો કરીને બાળકને ખેંચી લીધો હતો. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ જોવા મળતો હતો. તેમ છતાં પૂરતી સુરક્ષા અને લાઇટિંગની વ્યવસ્થા ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગિરનારની મુખ્ય સીડીનો વિસ્તાર તાત્કાલિક બંધ કરાવી દીધો છે. યાત્રાળુઓને હાલ જટાશંકર તરફની જૂની સીડીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગે સિંહને પકડવા માટે વિશેષ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે અને ઘટનાસ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. જોકે, ઘટનાના બે કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. હાલ સમગ્ર મામલે વન વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.