GujaratSouth GujaratSurat

સુરત પૂર અંગે હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક

સુરતમાં 7 જુલાઈએ પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર સ્થિતિને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 9 જુલાઈની મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી સર્વે, રાહત કામગીરી અને કેશડોલ સહાયની ચૂકવણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. અત્યાર સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9,100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને ઘરવખરીના નુકસાન અને કેશડોલ સહાય પેટે પ્રતિ પરિવાર ₹6,800ની સીધી સહાય ચૂકવવામાં આવી છે. બાકીના તમામ અસરગ્રસ્ત પરિવારોને પણ આજે મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટીઓમાં જઈને રોકડ સહાય પહોંચાડવા માટે વહીવટી તંત્રની અલગ-અલગ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત ન રહે તે માટે સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધીના સર્વે બાદ પણ જો કોઈ સોસાયટી કે વિસ્તાર રહી ગયો હોય તો ત્યાં તાત્કાલિક સર્વે ટીમ મોકલવાની સૂચના આપવામાં આવી છે. જે નાગરિકોનો સર્વે હજુ સુધી થયો ન હોય તેઓ કલેક્ટર કચેરી ખાતે શરૂ કરાયેલા કંટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરીને પોતાના વિસ્તારની માહિતી આપી શકે છે. માહિતી મળતાં જ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી સર્વે પૂર્ણ કરશે. અસરગ્રસ્તોને દૈનિક જીવનમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દિવસ-રાત સતત કામગીરી કરી રહ્યું છે.

સરકારે સ્થાનિક રહેવાસીઓની સાથે વેપારીઓને થયેલા નુકસાનને પણ ગંભીરતાથી લીધું છે. પૂરથી દુકાનો અને વેપારી એકમોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા સુરત શહેરના 58 મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શુક્રવાર સાંજ સુધી આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે અને મળતી નવી માહિતી મુજબ ડેટા અપડેટ કરવામાં આવશે. વેપારીઓને થયેલા નુકસાનના આધારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખાસ રાહત પેકેજ અથવા નવી નીતિ જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.