GujaratAhmedabad

ડમી કાંડ કેસમાં તપાસ દરમિયાન થયો મોટો ખુલાસો

ડમી ઉમેદવાર કાંડ કેસની ચાલી રહેલ તપાસમાં સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તો બીજી તરફ તપાસ કરી રહેલ પોલીસ જ ખુદ આરોપી બની રહી છે. SIT દ્વારા કરાયેલ રહેલ તપાસમાં કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા PSIની ધરપકડ કરી હતી. તો બીજી બાજુ બગદાણા પોલીસ મથકના એક પોલીસ કર્મચારી તેમજ તેનો ભાઈ પણ આ કેસમાં ફરાર હોવાથી તે બંનેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર પોલીસે છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવારને પરીક્ષામાં બેસાડી ખોટી રીતે પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બળદેવ રાઠોડ, પ્રદીપ બારૈયા, શરદ પનોત અને પ્રકાશ દવેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ ચારેય આરોપીઓના રિમાન્ડ મંજુર થતા ચાલી રહેલ તપાસમાં અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે.ડમી કાંડને લઈને ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. જેમા સુપરવિઝન Dysp આર આર સિંઘાલ કરશે. સાથે જ ડમીકાંડ કેસની તપાસ SOG પીઆઈને સોંપાઇ છે.સાથે જ આ કેસમાં 5 PSI, 12 પોલીસ કર્મચારી, LCB પીઆઈ તેમજ 3 પીએસઆઇ મદદ કરશે.

મહત્વનું છે કે, ડમી કાંડમાં અત્યારસુધીમાં કરાઈમા તાલીમ લઈ રહેલ સંજય પંડ્યા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે સિવાય આ કેસમા હજુ 31 જેટલા આરોપી ફરાર છે. તમામ પોલીસ હાલ તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ માટે 10 જેટલી ટીમ કાર્યરત છે. તો બીજી બાજુ પોલીસ તપાસ દરમિયાન સંજય પંડ્યાએ અક્ષય બારૈયા અને તે સિવાય બીજા 5 લોકોની પણ પરિક્ષા આપી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ડમી કાંડ કેસને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયેલું છે. ત્યારે અવારનવાર ભરતી પરિક્ષાઓમાં ગેરરીતિ બહાર આવતા સરકાર અને તંત્ર પણ સવાલોના ઘેરામાં છે. ત્યારે હાલ તો પોલીસ આ સમગ્ર મામલે પોલોસ સતત તપાસ કરી રહી છે.