SaurashtraGujaratRajkot

રાજકોટના ફાડદંગ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, લોકોના જીવન સાથે કરી રહ્યો હતો ચેડા

ગુજરાતમાં બોગસ તબીબોની ભરમાર એક પછી એક બોગસ તબીબો ઝડપાઇ રહ્યા છે. જ્યારે આજે આવી જ બાબત રાજકોટથી સામે આવી છે. એસઓજી પોલીસ દ્વારા રાજકોટના ફાડદંગ ગામમાંથી નકલી ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજીની ટીમ દ્વારા હોસ્પિટલના સાધનો, એલોપિથીક દવાઓ, ઇન્જેક્શન સહિત 10,989 નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેરમાં એસઓજી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં રહેલો હતો. તે સમયે ખાનગી રીતે બાતમી મળી હતી કે, ફાડદંગ ગામમાં હર્ષદભાઈ ઉર્ફે કાનાભાઈ ચોટલિયા નામના બોગસ તબીબ દ્વારા દર્દીઓની તપાસ અને સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે એસ ઓ જી પોલીસ ની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી ડીગ્રી વગરના તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો..

તેની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા જાણકારી સામે આવી હતી કે, ભાડાના મકાનમાં છેલ્લા એક વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યો હતો. જ્યારે આ અગાઉ પાંચ વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હોવાનું પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે. જ્યારે આ નકલી ડોક્ટર માત્ર આઠ પાસ હોવાનું સામે આવ્યું છે. હાલમાં એસ ઓ જી દ્વારા હોસ્પિટલના સાધનો, એલોપિથીક દવાઓ, ઇન્જેક્શન સહિત 10,989 નો મુદામાલ જપ્ત કરીને આ મામલામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.