India

જમ્મુ-કાશ્મીરમાં બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી, 38 લોકોના મોત, પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું

જમ્મુ-કાશ્મીરના ડોડામાં આજે સવારે બસ અકસ્માત સર્જાયો હતો. આ બસ અકસ્માતમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. આ દરમિયાન અન્ય 19 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે લોકોને બચાવવા માટે બચાવ કાર્યમાં લાગેલા છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, NHW-244 પર ત્રંગલ અસાર ખાતે સવારે 11:50 વાગ્યે એક બસ અકસ્માતનો ભોગ બની હતી, જેના પરિણામે 38 લોકોના મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા.

આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તબીબી સારવાર માટે ખસેડવા માટે કર્મચારીઓ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચી ગયો છે. જીએમસી જમ્મુના પ્રિન્સિપાલ આશુતોષ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ચાર લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2ના મોત થયા હતા અને અન્ય બેની સારવાર ચાલી રહી છે.

પીએમ મોદીએ આ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. પીએમએ વધુમાં કહ્યું કે દરેક મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

ડોડા બસ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કર્યું. ટ્વીટમાં રાષ્ટ્રપતિએ લખ્યું, “જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બસ દુર્ઘટનામાં અનેક મુસાફરોના મૃત્યુના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. હું સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”