12 માં ધોરણની વિદ્યાર્થિની ને શાળાની સીડી ચડતી વખતે હાર્ટએટેક આવ્યો: હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત
નવસારી શહેરમાં 17 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તબીબોએ મૃત્યુનું કારણ કાર્ડિયાક એટેક ગણાવ્યું છે. આટલી નાની ઉંમરમાં વિદ્યાર્થિનીનું મોત થતાં કાર્ડિયોલોજિસ્ટ પણ આશ્ચર્યચકિત છે. એબી સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થિની તનિષા ગાંધી લંચ પછી તેના ક્લાસમાં જવા માટે સીડીઓ ચડી રહી હતી.
દરમિયાન તે બેહોશ થઈને ત્યાં જ પડી ગઈ હતી. સ્કૂલકર્મીઓ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જો કે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. સ્કૂલમાંથી મળેલી માહિતી મુજબ, તનિષા ડોક્ટર બનવા માંગતી હતી. તેથી જ તે તેના 12મા ધોરણની સાથે NEETની તૈયારી કરી રહી હતી. હંમેશા શિસ્તબદ્ધ, તનિષા અભ્યાસમાં પણ ઘણી હોશિયાર હતી.
સોમવારે શાળાના લંચના સમયે તે અન્ય વિદ્યાર્થીનીઓ સાથે ત્રીજાથી ચોથા માળે જતી હતી. ત્યારે અચાનક સીડી પર પડી ગઈ હતી.તનિષાના આકસ્મિક મૃત્યુથી શાળામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.કોરોનાની બીજી લહેર દરમિયાન તનિષાની માતાનું કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું. હવે પરિવારમાં તનિષા અને તેના પિતા જ એકલા જ હતા. પ્રથમ પત્ની અને હવે પુત્રીના આકસ્મિક અવસાનથી પિતા પર પણ દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.