GujaratSouth GujaratSurat

સુરતના ઓલપાડમાં પરપ્રાંતિય મજૂરની ખેતરમાં મળી આવી લાશ

ચાર દિવસ અગાઉ ઓરિસ્સાથી સુરતના સાયણ નામના ગામે આવીને રહેતા એક પરપ્રાંતીય યુવકને ગુરૂવારના રોજ સવારના સમયે દેલાડ ગામની સીમમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરવાની ઘટના બનતા જ ઓલપાડ પોલીસ એક્શનમાં આવી હતી. પ્રાથમિક માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સા અને હાલ સુરત જિલ્લાના સાયણ ખાતે વસવાટ કરતો 40 વર્ષીય રોહિત રામચંદ્ર બહેર ચાર દિવસ પહેલા જ પોતાના મૂળ વતન ઓરિસ્સા જઈને સાયણ ગામે પરત આવ્યો હતો. ઓલપાડ તાલુકાનાં દેલાડ નામમાં ગામે સુરત રોડ ખાતે આવેલા ગણેશ ઈન્ડસ્ટ્રીના આ યુવક લૂમ્સના કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો. ગુરૂવારના રોજ આ યુવક કારખાનામાં કામે આવ્યા પછી સવારના સમયે ગણેશ ઈન્ડસ્ટ્રીના ગેટ નજીક આવેલા એક શેરડીના ખેતરમાં તે બેભાન અવસ્થામાં પડેલો હતો. ત્યારે તેણે જોરથી અવાજ કરતા લોકો તેની જોડે ગયા હતા. લોકોએ જોડે જઈને જોયું કે યુવકના શરીર પર અનેક જગ્યાએ તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને તેને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. ત્યાં હાજર લોકો 108 એમ્બ્યુલન્સ મારફતે રોહિતને સુરત સિવિલ ખાતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે જ તેનું મરણ થઈ ગયું છે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ઓલપાડ પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે, હાલ તો પોલીસે આ સમગ્ર મામલે રોહિતની સાથે કામ કરતા લોકોની પૂછપરછ તેમજ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ રોહિતની કોઈ જોડે દુશ્મની હતી કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.