તુર્કી જેવો ભયંકર ભૂકંપ ભારતમાં પણ આવી શકે છે. હિમાલયની શ્રેણીમાં ગમે ત્યારે આ મોટો ભૂકંપ આવી શકે છે. નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એટલે કે એનજીઆરઆઈના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ ભૂકંપની તીવ્રતા નોંધપાત્ર હોઈ શકે છે. જે સમગ્ર હિમાલય વિસ્તારમાં ભારે તબાહી લાવી શકે છે. એનજીઆરઆઈએ એમ પણ કહ્યું છે કે જો માળખાને મજબૂત કરવામાં આવે તો જાન-માલનું નુકસાન ઘટાડી શકાય છે.
મજબૂત બાંધકામની જરૂર છે. કારણ કે તુર્કીમાં વિનાશકારી ભૂકંપનું કારણ બાંધકામનું સરેરાશ સ્તર છે.માહિતી અનુસાર, હૈદરાબાદ સ્થિત NGRIના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. પૂર્ણચંદ્ર રાવનું કહેવું છે કે પૃથ્વીનો પોપડો અનેક પ્લેટોથી બનેલો છે અને આ પ્લેટો સતત બદલાતી રહે છે. ભારતીય પ્લેટો દર વર્ષે 5 સેમી સુધી આગળ વધી રહી છે અને તેના કારણે હિમાલયનો પ્રદેશ ભારે તણાવમાં છે. જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં જોરદાર ભૂકંપ આવી શકે છે.
ડો.પૂર્ણચંદ્ર રાવે કહ્યું કે હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગમાં અને ઉત્તરાખંડમાં ભૂકંપ આવી શકે છે. ડો.રાવે કહ્યું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 હોઈ શકે છે. ડો.રાવે કહ્યું કે તુર્કીમાં આવેલા ભૂકંપમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ સરેરાશ બાંધકામ હતું. તેમણે કહ્યું કે આપણે ભૂકંપને રોકી શકતા નથી, પરંતુ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને મજબૂત ઈમારતોનું નિર્માણ કરવું જોઈએ.
જો ભૂગોળની ભાષામાં કહીએ તો હિમાલય એ ફોલ્ડ પહાડો છે. તેમનું બાંધકામ હજુ ચાલુ છે. તેઓ દર વર્ષે લગભગ 5 મીમીના દરે વધી રહ્યા છે. આ મુજબ, એક હજાર વર્ષમાં 5 મીટર અને 10 હજાર વર્ષમાં 50 મીટર. હિમાલયનો વિસ્તાર પહેલેથી જ ભૂકંપ માટે સંવેદનશીલ રહ્યો છે. તાજેતરના ભૂતકાળમાં આ વિસ્તારમાં ઘણા નાના ભૂકંપ આવ્યા છે જે દર્શાવે છે કે આ વિસ્તારમાં ભૂગર્ભમાં આવી ઘણી વસ્તુઓ થઈ રહી છે, જે ભવિષ્યમાં કોઈ મોટો ભૂકંપ લાવી શકે છે.
વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના મુખ્ય વૈજ્ઞાનિક અજય પૉલે જણાવ્યું છે કે હિમાલયનો પ્રદેશ ભારતીય અને યુરેશિયન પ્લેટોના અથડામણને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો. તેઓ કહે છે કે ભારતીય પ્લેટ પર યુરેશિયન પ્લેટના દબાણને કારણે આ વિસ્તારમાં ભારે ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે જ ઊર્જા ભૂકંપ દ્વારા જમીનમાંથી બહાર આવે છે.